Thursday, June 17, 2010

Every generation imagines itself to be more intelligent than the one that went before it, and wiser than the one that comes after it

ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.


એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’ બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.


ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું 'Geeta' હતું. 'Geeta' બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. 'Geeta' એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે 'Geeta' આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’

ચિઠ્ઠી 'Geeta' ના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત 'Geeta' જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા 'Geeta' પર પડી, આ એ જ 'Geeta' હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે 'Geeta' હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો 'Geeta' ના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે 'Geeta' ને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ....

No comments:

Post a Comment