Saturday, May 1, 2010

સરતિ ઈતિ સંસાર

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.’

પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે. પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે. છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે. ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે. ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે. ચાલવાનું ઘટતું જાય છે અને ‘સ્કૂટર ચાલવવાનું વધતું જાય છે. વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે. લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે અને મનમેળના માનપાન વધતાં જાય છે. માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે. ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે. લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે. યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ વાંઢો ‘મગ’ આવી જાય છે. ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ ‘આજે બહાર જમી આવીએ.’ સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે. જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે. આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે. ઘડપણ મનની અવસ્થા છે.
નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી. કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે. બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવક–યુવતીઓને ગમે છે. ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી. શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે. શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે. પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે. જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી. જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જાય છે. એક મિત્રે કહેલુઃ ‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !’ હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે. આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી. જીંદગીભર કણસતા રહીને પતિ–પત્ની સંસાર વેંઢારે તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી. પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે. ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે. સરતિ ઈતિ સંસારઃ ! જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

2 comments:

  1. બહુજ ઉમદા વિચારો છે અંકીતભાઈ આપના. ઉત્તમ લેખ લખ્યો છે.

    ReplyDelete
  2. vinay bhai mafi chahu chu pan aa lekh me nathi lakhyo...

    hu to koik koik j post lakhu chu

    aa mara ek frd no che

    i will fwd your wishes to him....

    thnks a lot

    ReplyDelete