Wednesday, June 28, 2017

Shree Mahaprabhuji ni lila

એકવાર શ્રીહરિરાયજી સિંધમાં પધાર્યા ત્યાં એક શહેરમાં આપ બિરાજતા હતા, ત્યાં એક વૈષ્ણવ ઘણો ગરીબ હતો. તે મજુરી કરી સેવા કરતો ને પાઇ પૈસો બચાવી સિલક પણ કરતો. લાંબી મુદતની મજુરીના ફળ રૂપે આ ભક્તે બે રૂપિયા એકઠા કર્યા હતા. શ્રીહરિરાયજીને તે પોતાને ઘેર પધરાવી ભેટ કરવાની તેને ઇચ્છા હતી. પણ બીજા ગૃહસ્થ વૈષ્ણવો તો ખૂબ ભેટ ધરી પધરાવતા, પણ આ બિચારો ગરીબ શું કરે ? તેને રોજ પધરાવવાની આર્તિ થતી, પણ કહી શકતો ન હતો. ભક્તની આર્તિ શ્રીઠાકોરજીથી સહન ન થઇ. ભક્તનો કલેશ પ્રભુ કેમ સહન કરે ? તેથી શ્રીહરિરાયજીને સ્વપ્નમાં શ્રીઠાકોરજીએ પેલા ભક્તને ત્યાં પધારવાની આજ્ઞા કરી. શ્રીહરિરાય મહાપ્રભુ દયા કરી તેને ત્યાં પધાર્યા ને શ્રીઠાકોરજીની આજ્ઞા પ્રમાણે પેલા બે રૂપિયા માગી લીધા. શ્રીહરિરાયજીને પોતાને ત્યાં પધારેલા જોઇને તે વૈષ્ણવ આવેશમાં પ્રેમઘેલો થઇ ગયો. તે નાચવા લાગ્યો અને દેહનું અનુસંધાન પણ ન રહ્યું. શ્રીહરિરાયજીને બિરાજવા આ ગરીબ નિઃસાધન ભક્તના ઘરમાં ગાદી-તકીયા કે કોચ બિછાનાં ન હતા. એક કંતાનના કોથળા જેવું હતું. તેના ઉપર આપ બિરાજ્યા. આ વખતે આપશ્રીને ખુબ જ આનંદ થયો. આ વૈષ્ણવનો પ્રેમ જોઇ શ્રીહરિરાયજી પણ ભાવવિભોર બની ગયા. આપશ્રી તે બે રૂપિયા લઇ મુકામે પધાર્યા. તે રૂપિયા બે પોતાની પાસે રાખ્યા. પછી શ્રીજીદ્વારા પધાર્યા ત્યારે એક દિવસ તેની સામગ્રી લાવીને શ્રીઠાકોરજીને જુદી જ આરોગાવી. શ્રીઠાકોરજી હોંશે હોંશે તે સામગ્રી આરોગ્યા. પછી તે મહાપ્રસાદ જુદો જ રાખવામાં આવ્યો. રાત્રે પોતાના અંતરંગ ભક્તો સાથે શ્રીહરિરાયજીએ ભગવદ્ વાર્તા કરી રહ્યા પછી તે મહાપ્રસાદ મંડળીમાં વહેંચવામાં આવ્યો. આ મહાપ્રસાદની કણિકા લઇ ભગવદીયો ઘેર જઇ સુઇ ગયા. ત્યાં તો દરેકને સ્વપ્નમાં જુદો જુદો અનુભવ થયો. પુષ્ટિમાર્ગ તાપકલેશનો માર્ગ છે. તાપ ભાવાત્મક સેવાનો આ માર્ગમાં અંગીકાર.

No comments:

Post a Comment